મહારાષ્ટ્રના બારામતીના મુધાલે ગામમાં ૭૬ વર્ષના કોરોનાગ્રસ્ત મહિલાને મૃત માનીને તેના પરિવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી. મૃત માનીને નનામી પર સૂવડાવવામાં આવેલા મહિલા જ રડવા લાગ્યા હતા અને તેણે આંખો ખોલતા બધા ચોંકી ઉઠ્યા હતા.
આ પછી તત્કાળ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતુ.
શકુંતલા ગાયકવાડ નામની૭૬ વર્ષની મહિલાને થોડા સમય પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે પછી તેઓ ઘરે જ આઇસોલેશનમાં હતા, પણ તબિયત વધુ કથળતાં તેમને બારામતીની હોસ્પિટલમા દાખલ કરવા માટેના પ્રયાસો તેમના પરિવારે શરૂ કર્યા હતા. તારીખ ૧૦મી મે ના રોજ તેમને ખાનગી વાહનમાં બારામતી લઈ જવામાં આવ્યા હતા.
પરિવારજનો તેમને કારમાં લઈને વિવિધ હોસ્પિટલોમાં લઈ ગયા હતા, પણ તેમને જગ્યાના અભાવે દાખલ કરવામાં આવ્યા નહતા.
આ દોડધામ વચ્ચે અચાનક જ તેઓએ ભાન ગુમાવ્યું હતુ અને હલનચલન પણ બંધ થઈ ગયું હતુ. પરિવારજનોએ તેમને મૃત માની લીધા હતા અને સગા-સંબંધીઓને આ અંગે જાણ કરીને અંતિમ વિધિની તૈયારીઓશરૂ કરી હતી.
ભારે હૈયે પરિવારજનો તેમને ઘરે લઈને પરત ફર્યા હતા અને તેમના શરીરને નનામી પર મૂકવામાં આવ્યું હતુ. પરિવારજનોમાં આક્રંદ ચાલુ હતુ અને તેમની અંતિમ યાત્રા શરૂ થવાની હતી, ત્યાં જ નનામી પર રહેલા શકુંતલા ગાયકવાડ ખુદ જ રડવા લાગ્યા હતા અને થોડી વારમાં જ તેમણે આંખો ખોલતાં બધા ચોંકી ઉઠ્યા હતા. જે પછી તેમને તત્કાળ બારામતીની સિલ્વર જ્યુબિલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.