ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખૂલે છે

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય ભગવાન હતા. બંન્ને વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોરને લઇ સમય મર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશજીનું વાહન ઉંદર હોવાના કારણે પ્રદક્ષિણા ઝડપી પૂર્ણ કરવું શક્ય ના હોઈ તેમને ચતુરાઇ વાપરી પૃથ્વી ભ્રમણ કરવાના બદલે પોતાના માતાપિતાના સાત ફેરા ફર્યા હતા. તમામ ભગવાનોએ ગણેશજીના વખાણ કર્યા હતા.

ભગવાન કાર્તિકેયે ક્રોધિત થઇ પોતાને શ્રાપ આપ્યો હતો જે મારું મુખ જોશે તે વિધવા થશે. ત્યારે તમામ ભગવાન દ્વારા તેઓને શાંત પાડી સમજાવતાં તેઓએ નિર્ણય બદલ્યો હતો કે, મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ જોશે કે દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે અને તેઓના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ત્યારથી ભગવાન કાર્તિકેયનું આ મંદિર વર્ષમાં એકવાર જ વાર ખૂલે છે. અને મંદિરના દ્વાર ખૂલતા જ મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિરના પૂજારીજીએ જણાવ્યું હતું કે, નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે. આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરના દ્વાર ખૂલે છે. અહીં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોઈ આ મંદિર સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે. જેથી આજના દિવસે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોઈ વહેલી સવારથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી જાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. ભક્તોએ કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષેમાં એક જ વાર જોવા મળે છે. અને તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દર્દ દૂર થતા હોઈ ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer