જાણો શા માટે કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ?

વડીલોની અતૂટ શ્રદ્ધા કુળદેવી પર રહેલી હોવાના કારણે તે કુળદેવી પાસે પ્રાર્થના કરતા હતા. પરંતુ આજની યુવા પેઢીને શ્રદ્ધા નથી રહી, તે એમ માને છે કે આ બધું મહેનતથી થાય છે. એ વાત સાચી છે કે મહેનતથી જ બધું થાય છે પરંતુ એ મહેનત કરવા પાછળ જે શક્તિ મળે છે એ શક્તિ આપણને ઈશ્વર તરફથી જ મળતી હોય છે. આપણને એકસરખા માણસો નથી મળતા, દરેકની શક્તિ અને મહેનત અલગ અલગ હોય છે. રસ્તામાં કામ કરતા કોઈ મજુર તનતોડ મહેનત કરે છે, પરસેવો પાડે છે ત્યારે એના જેવી મહેનત ઓફિસમાં બેસી કામ કરનાર વ્યક્તિથી ના થઈ શકે. એ આપણે બખૂબી જાણીએ છીએ. તો આ મજૂરને એ મહેનત કરવાની શક્તિ અને ઓફિસમાં બેસીને કામ કરવાની બુદ્ધિ આપણને ઈશ્વર જ પુરી પાડે છે. વડીલો કુળદેવીને તમારા સારા જીવન માટે પ્રાર્થના કરતા હોય છે, તમને સારી બુદ્ધિ મળે, સારું જ્ઞાન મળે, તમે ખોટા રસ્તે ના ચાલ્યા જાઓ તે માટે સતત આજીજી કરતા હોય છે અને તેના જ કારણે તમે સુખી સંપન્ન રહી શકો છો.

તમને બધાને ખબર જ હશે કે કુળદેવી એ આપણા કુળની રક્ષા કરનારી છે, જે હરહમેશ આપણા કુળને મુસીબતોમાંથી બચાવે છે. વર્ષમાં એક દિવસ આપણે કુળદેવી માટે હવન પણ કરીએ છીએ અને માતાજીના સ્થાનકે રહેલું શ્રીફળ અને ચૂંદડી બદલીએ છીએ. માતાજીનો શણગાર કરીએ છીએ. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. પરંતુ હવેની પેઢી આ પૂજા વિધિમાં ઓછું માને છે, પરંતુ આપણા વડીલોની વાતોને નજર અંદાજ ના કરવી જોઈએ. આપણા વડીલો કુળદેવીની પૂજા કરતાં આવ્યા છે તેમને અનુસરીને આજની યુવા પેઢીએ પણ કુળદેવીની પૂજા આરાધના તેમજ તેમના માટેનું હવન કરવું જોઈએ જેનાથી કુળની રક્ષા તો થશે જ સાથે આવનાર કેટલીક મુસીબતોમાંથી પણ આપણે ઉગરી જઈશું.

આપના વડીલો કુળદેવીની પૂજા કરતા હંમેશા કુળની રક્ષા કરવાનું જ માંગતા આવ્યા છે સાથે પોતાના બાળકો ઉપર કૃપાદૃષ્ટિ બનાવી રાખવાનું, પરિવારને સુખી સંપન્ન રાખવાનું, અમારા સંતાનો ક્યારેય ખોટા રસ્તે ના ચઢે, અમારા બાળકોની રક્ષા કરજો, અમારા કુળનો ઉદ્ધાર કરજો એવું વડીલો પાસેથી આપણે સાંભળ્યું જ હશે. આપણે પણ વીડીલોની જેમ આપણા સંતાનો માટે, આપણા ઉજ્વવળ ભવિષ્ય માટે, સુખી સંપન્ન પરિવાર માટે આ પ્રકારની કુળદેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ. જો આમ નહિ કરો તો તમારા કુળદેવી તમારું કંઈ ખોટું તો નહીં કરે પરંતુ એમની કૃપાદૃષ્ટિથી તમે વંચિત રહી જશો.

કુળદેવીની આરાધના માટે તમે વધુ કઈ ના કરી શકો તો વર્ષમાં માત્ર બે વાર તેમના દર્શને જાવ. પોતાની જાતને ભુલાવી બે હાથ જોડી કુળદેવી સામે થોડીવાર સુધી પ્રાર્થના કરો, માતાજીનું સ્મરણ કરો. માતાજી તમારા પર રાજી રહશે. આ સિવાય સવારે ઉઠતાની સાથે બે હાથ જોડી તમારા કુળદેવીનું નામ લો. તેમને પ્રાર્થના કરી કહો કે મારો આજનો દિવસ સારો વીતે, મારા પરિવાર પર તમારી કૃપા દૃષ્ટિ બની રહે, મારા સંતાનો, માતા-પિતા, પત્ની તેમજ પરિવારજનોનું શરીર સ્વસ્થ રહે, દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કામ ના થાય. રાત્રે સુઈ જતી વખતે પણ આ પ્રકારનું સ્મરણ કરો, દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય એની માફી કુળદેવી પાસે માંગો.

સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે જ. આ સિવાય વર્ષમાં એક વખત માતાજીનું હવન ઘરમાં કરો, શક્ય હોય તો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે હવન કરો. માતાજીના સ્થાનક રૂપે રાખેલ શ્રીફળ અને ચૂંદડી બદલો, માતાજીનો શણગાર કરો. માતાજીને ભોગ ધરાવો, બ્રામ્હણને દક્ષિણા આપો. જયારે ઘરમાં કોઈ શુભ પ્રંસગ હોય ત્યારે માતાજીની આરાધના કરો. ઘરમાં જો નવા લગ્ન થયા હોય તો વર કન્યાને કુળદેવીના દર્શન કરવા માટે લઈ જાવ. ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો એને કુળદેવીના મંદિરે લઈ જઈ માતાજી સામે સુવડાવી તેના ઉજ્જવળ ભવિષ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરો. આજના વ્યસ્ત સમયમાં આટલો સમય તો તમને ચોક્કસ મળી જ રહેવાનો છે. જો તમે આટલી જ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઉપર કુળદેવીની કૃપા હંમેશા બની રહેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer