જાતકની કુંડળી અને હસ્તરેખાઓના અધ્યયન પછી તેની ગ્રહ દશા અને રાશિ પ્રમાણે તેને રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ નિષ્ણાંતની સલાહ માની જાતકો હાથમાં અથવા તો ગળામાં વિવિધ રત્ન ધારણ પણ કરે છે. પરંતુ આ રત્ન ખરીદતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તે ખરા હોય. જો નકલી રત્ન ધારણ કરવામાં આવે તો તેની વિપરીત અસરો પણ થઈ શકે છે. આજે આવી જ ટીપ્સ અહીં રજૂ કરવામાં આવી છે કે જેના અજમાવીને સરળતાથી જાણી શકાય છે કે કયો રત્ન સાચો છે અને કયો ખોટો.
ગોમેદ : ગોમેદને 24 કલાક સુધી ગૌમૂત્રમાં રાખી દેવો. જો રત્ન સાચો હશે તો 24 કલાક પછી ગૌમૂત્રનો રંગ બદલાઈ જશે.
હીરો : હીરાને એક વાટકી ગરમ દૂધમાં નાંખવો, જો હીરો સાચો હશે તો દૂધ તુરંત ઠંડુ થવા લાગશે. આ ઉપરાંત સાચા હીરા પર ફુંક મારવાથી તેના પર ઝાંય પડતી નથી.
પન્ના : કાચના ગ્લાસમાં પાણી ભરી અને પન્નાને તેમાં રાખવો. પાણીમાં લીલો રંગ જોવા મળશે. સાચા પન્ના પર જો કાચી હળદર લગાવવામાં આવે તો તેનો રંગ લાલ થઈ જાય છે.
નીલમ : કાચના ગ્લાસમાં પાણી ભરવું અને તેમાં નીલમ રાખવો, પાણીની ઉપર નીલમની કિરણ દેખાવા લાગશે. એક કપ દૂધમાં નીલમ રાખવો અને દૂધમાંથી નીલમનો રંગ સ્પષ્ટ જોવા મળે તો તે રત્ન સાચો હશે.
મોતી : પાણી ભરેલા કાચના ગ્લાસમાં મોતી રાખવું, જો તેમાંથી ઝીણી ઝીણી કિરણ નીકળતી હોય તો તે સાચો રત્ન હશે.
પોખરાજ : પોખરાજને એક દિવસ માટે દૂધમાં રાખી દેવો, બીજા દિવસે પણ જો તેનો રંગ ન બદલાય તો તે સાચો રત્ન હશે. આ સિવાય સફેદ કાપડમાં પોખરાજ રાખી તેને તડકામાં રાખવું, જો કાપડ પર પીળો રંગ જોવા મળે તો તે નંગ સાચો હશે.
માણેક : કાચના પાત્રમાં માણેક રાખવો તેમાં લાલ રંગ જોવા મળે. કમળની કળી પર થોડીવાર માટે માણેક રાખી દેવો. થોડા જ સમયમાં કમળ ખીલી જાય તો તે રત્ન સાચો હશે.