જાણો રાશી અનુસાર કોણે પહેરવો જોઈએ કેવા પ્રકારનો રુદ્રાક્ષ

રૂદ્રાક્ષને ભગવાન શંકરનો અંશ માનવામાં આવે છે. જે રૂદ્રાક્ષ ધારણ કરે છે તેના પર શિવજીની કૃપા સદા માટે રહે છે. રૂદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. જે અનુસાર તેનું મહત્વ નક્કી થાય છે. ધાર્મિક ગ્રંથોમાં ચૌદ મુખી રૂદ્રાક્ષનું સૌથી વધારે મહત્વ દર્શાવાયું છે.

એકમુખી રૂદ્રાક્ષથી લઈ ચૌદ મુખી રૂદ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. આ દરેકની પોતાની ખાસિયતો હોય છે. સામાન્ય રીતે લોકો પંચમુખી, એકમુખી અને બેમુખી રૂદ્રાક્ષ ધારણ કરતાં જોયા હશે. પરંતુ તમારા માટે કયો રૂદ્રાક્ષ લાભકારક સાબિત થશે તે રાશિ પરથી જાણી શકાય છે. તો જાણી લો તમારી રાશિ અનુસાર તમારે ક્યો રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

એકમુખી રૂદ્રાક્ષ : એકમુખી રૂદ્રાક્ષ કોઈપણ રાશિની વ્યક્તિ ધારણ કરી શકે છે. આ રૂદ્રાક્ષને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

ચારમુખી રૂદ્રાક્ષ : ધન અને મીન રાશિ માટે આ રૂદ્રાક્ષ ઉત્તમ છે. આ રૂદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે. બૃહસ્પતિ સાથે સંબંધિત રાશિવાળા જાતકો પહેરી શકે છે.

પંચમુખી રૂદ્રાક્ષ : કર્ક રાશિના જાતકો પંચમુખી રૂદ્રાક્ષ પહેરવો જોઈએ. આ રૂદ્રાક્ષને ખાસ કરીને માનસિક શાંતિ માટે ધારણ કરી શકાય છે. આ રૂદ્રાક્ષ વ્યક્તિના સાત્વિક ગુણોનો વિકાસ કરે છે.

સાત અને નવમુખી રૂદ્રાક્ષ : મકર અને કુંભ રાશિ માટે આ બંને રૂદ્રાક્ષ ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત શનિ ગ્રહની રાશિવાળા જાતકો પણ આ રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. આ રૂદ્રાક્ષ સારું સ્વાસ્થ્ય, ધન, વૈભવ અને સર્વત્ર લાભ આપે છે.

દશમુખી રૂદ્રાક્ષ : મિથુન અને કન્યા રાશિના જાતકોને દશમુખી રૂદ્રાક્ષ પહેરવાની સલાહ આપી શકાય છે. આ રૂદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનાર લોકો બુદ્ધિ, વિદ્યા, સંપત્તિ સંબંધિત લાભ મેળવી શકે છે.

બારમુખી રૂદ્રાક્ષ : આ રૂદ્રાક્ષ 12 આદિત્યોનું રૂપ કહેવાય છે. તેને સિંહ રાશિના જાતકો પહેરી શકે છે. આ રૂદ્રાક્ષ પહેરવાથી આરોગ્ય, લાંબી ઉંમર અને માન-સન્માન મળે છે.

તેરમુખી રૂદ્રાક્ષ : વૃષભ અને તુલા રાશિના જાતકો માટે આ રૂદ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. આ રૂદ્રાક્ષ ભોગ-વિલાસ સાથે સારું આરોગ્ય આપે છે.

ચૌદમુખી રૂદ્રાક્ષ : મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ ચૌદમુખી રૂદ્રાક્ષ ધારણ કરવો લાભકારક હોય છે. આ રૂદ્રાક્ષ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બળ, બુદ્ધિ, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર ખોટી ભ્રમણાઓ ફેલાવી દેતા હોય છે આથી સારી અને વિશ્વસનીય જગ્યા પરથી જ રૂદ્રાક્ષ ખરીદવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer