અમદાવાદમાં આ જગ્યાએ ખેલૈયાઓ રમે છે સંસ્કૃત ગરબા

‘ત્વાં વિના શ્યામ અહમ એકાંતિ ભવામિ,રાસક્રીડાયૈ આગમ્યતામ..,’ ‘મા ગિરિવરાત ત્વાં અવતિર્ણા મહા કાલી રે..’ આ બન્ને ગરબાનું સંસ્કૃત વર્જન છે. ‘તારા વિના શ્યામ અને મા પાવાતે ગઢથી નિસર્યા રે મહાકાળી..’ ગરબા આપણી સંસ્કૃતિ, આસ્થા અને અધ્યાત્મનનું પ્રતિક છે. તેવી જ રીતે સંસ્કૃત આપણી દેવભાષા છે અથવા એવુ પણ કહી શકાય કે સંસ્કૃત દરેક ભાષાની માતા છે. આ વિશે વાત કરતા અમદાવાદના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડીરેક્ટર મીહીરભાઇ ઉપાધ્યાય કહે છે કે, ‘આજથી અગિયાર વર્ષ પહેલા અમે પ્રથમ પ્રયત્ન કર્યો. નવરાત્રી દરમ્યાન અમે એક દિવસ એવો નક્કી કર્યો જ્યારે સંસ્કૃત ગરબા ગવાય.

ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો અને પછી દોઢ કલાક સુધી અમે સતત રાગ,તાલ અને ઢાળ સાથે સંસ્કૃતમાં ગરબા ગાયા. જ્યારે અમે ગરબા ગાયા ત્યારે એક પળ માટે પણ અમને એવુ નહોતુ લાગ્યુ કે મજા નથી આવતી. એમ લાગતુ હતુ કે જાણે શક્તિની ભક્તિમાં અમે લીન થઇ ગયા. ગરબા શરૂ કર્યા હતા ત્યારે માંડ ત્રીસેક જેટલા લોકો હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ અને આજે એ સંખ્યા ત્રણ હજાર પર પહોંચી ગઇ છે અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી. નવરાત્રીના પ્રથમ દિવસે યોજાયેલા સંસ્કૃત ગરબાને ઘણી લોકપ્રીયતા મળી છે. આગામી દશેરાના દિવસે ફરી એકવાર સંસ્કૃત પ્રેમીઓ ગરબા રમવા થનગની રહ્યા છે. સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનના ઉપક્રમે ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં પચાસ જેટલા ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં આવિર્ભાવ કરવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે આજે જ્યારે ગરબાની સાથે ફિલ્મી ગીતોનું મિશ્રણ જોવા મળે છે તેવા સમયે સંસ્કૃત ગરબામાં શિવતાંડવ સ્ત્રોત, મધુશષ્ટક જેવા સ્ત્રોતો વગાડીને ગરબા સંસ્કૃતીની પરંપરાની સાત્વિક્તાને જાળવી રાખવામાં આવી રહી છે. વડીલોની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં ભાગ લે છે. એટલુ જ નહી અહીં એકવાર ગરબા રમીને ગયા હોય તે યુવાનો ફરી વાર આવવાનો નીર્ધાર ત્યારે જ કરી લેતા હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer