શ્રીકૃષ્ણના મસ્તકે મોરપીંછ છે. મોરપીંછ સહજ છે. ગોકુળની ગલીઓમાં ફરતા શ્રીકૃષ્ણના પગની ધૂળમાંથી તે મળી આવ્યું. તે સહજ છે માટે મસ્તકે ધારણ કરાય છે. તે શ્રીકૃષ્ણના મસ્તકની શોભા છે. મોરપીંછને શ્રીકૃષ્ણ ભગવાને પોતાના મસ્તકે ધારણ કરીને તેને અપાર ગરિમા આપી દીધી છે. ગૌરવ પ્રદાન કર્યું છે. સહજતાનો સ્વીકાર ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. આટલી જ સાહજિકતાથી ભગવાન શ્રીકૃષ્ણએ કુબજાનો સ્વીકાર કર્યો છે.
ફકત મથુરા નરેશ કંસ માટે જ ચંદન ઘસી લઇ જતી કુબજા ઉપરથી શ્રીકૃષ્ણને ચંદન આપવાની ના પાડે છે અને પોતાના અંતરમનથી શ્રીકૃષ્ણનાં અંગેઅંગને ચંદન ઘસી ઘસીને લગાવે છે. શ્રીકૃષ્ણ તેના મનની વાત જાણી જાય છે. બદલામાં તેને સીધી પકડીને તેના બરડામાં એક લાત મારે છે. શ્રીકૃષ્ણનો લત્તાપ્રહાર થતાં જ કુબજા બેડોળપણું ત્યજીને સુંદર બની જાય છે. મથુરાની તે સર્વશ્રેષ્ઠ સુંદરી બની જાય છે. આમ શ્રીકૃષ્ણ ભગવાન કુબજાનો પણ સહજતાથી સ્વીકાર કર્યાના દાખલ આપણને જોવા મળે છે.
આંખ એ શરીરરૂપી મકાનમાં મૂકેલી બારી છે, પરંતુ આ બારી અંદરથી બહાર જોવાને બદલે બહારથી અંબર જોવાની વસ્તુ બની ગઇ છે. આ આંખ કયારે સાર્થક થાય? આંખ જો સતત શ્રીકૃષ્ણને શોધ્યા કરે ત્યારે?
મહાત્મા સુરદાસ કહેતા હતા કે આંખને એવી ટેવ પડી ગઇ છે કે જે શ્રીકૃષ્ણ ભગવાનને સતત નીરખ્યા કરે છે. આ સૃષ્ટિ સદૈવ છે પણ મારા માટે મારી આંખ છે ત્યાં સુધી જ સૃષ્ટિનું અસ્તિત્વ છે. મારા માટે સૂયનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેને હું જોઇ શકું છું. તેથી મારે મારી આંખ કાયમ માટે મીંચાય તે પહેલાં જ ભગવાન શ્રીકૃષ્ણને જોઇ લેવાના છે.
ભગવાન શ્રીકૃષ્ણએ કાનમાં કર્ણફૂલ પહેરેલાં છે. આ કાનને ખાસ સાચવવા જેવા છે. ન જાણવા જેવી વાત બહુ ઝડપથી તેમાં પેસી જતી હોય છે. કર્ણફૂલ કાનને ભરી દે છે તેથી ન જાણવા જેવી બાબત તેમાં જતી નથી. કાનને સારી વાતોથી ભરવાના છે.
શ્રીકૃષ્ણ ભગવાનના ગળામાં માળા છે. તેમાં ફૂલ પરોવેલાં છે. તે ફૂલ એક તાંતણે બંધાયેલાં છે. આ તાંતણા શ્રીકૃષ્ણનાં છે. મજાની વાત એ છે કે આ ફૂલ સૌને દેખાય છે. તાંતણો દેખાતો નથી. આપણા દોરાનો તાંતણો કોઇના હાથમાં છે તેનો ઝટ ખ્યાલ આવતો નથી. જો તે પૂરી સભાનતાથી સમજમાં આવી જાય તો મનુષ્ય ખરાબ કર્મ કરતો અટકી જાય છે.
શ્રીકૃષ્ણનાં નાકમાં સાચાં મોતી છે. તેમની પાસે ઘણાં બધાં આભૂષણ છે, પરંતુ તેમને સાચાં મોતી વધુ પસંદ છે. તે પણ સાચાં જ. કારણ સાચાં મોતી ખૂબ તાવવાથી જ મળે છે. ભારે પરિશ્રમથી તે પ્રાપ્ત થાય છે. તે મેળવવા મરજીવા બનવું પડે છે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ પણ શરીરને બહુ જ તાવવાથી જ મળે છે, પરંતુ જો શ્રીકૃષ્ણ એક વખત આપણો હાથ પકડી લે તો પછી તે આપણને કદી છોડતા નથી. વાંસળી શ્રીકૃષ્ણને એટલી પ્રિય છે કે વાંસના ટુકડામાંથી બનેલી વાંસળી અંદરથી પોલી છે, ખાલી છે, સહજ છે. તે ફૂંકતાં બદલામાં સુમધુર સ્વર આપે છે. આવા છે આપણા ભગવાન શ્રીકૃષ્ણ.